આ આર્ટીકલમા અમે અહેવાલ લેખન ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
અહેવાલ લેખન એટલે શું ?
અહેવાલ લેખનના પ્રકાર:
- સામાન્ય અહેવાલ: કોઈ ઘટના, પ્રવૃત્તિ અથવા મુલાકાતનો સરળ અહેવાલ.
- વૈજ્ઞાનિક અહેવાલ: કોઈ સંશોધન અથવા પ્રયોગનો અહેવાલ.
- વ્યવસાયિક અહેવાલ: કોઈ પ્રોજેક્ટ, બજાર સંશોધન અથવા વ્યવસાયિક પ્રવૃત્તિનો અહેવાલ.
- સરકારી અહેવાલ: સરકારી યોજનાઓ અથવા પ્રવૃત્તિઓનો અહેવાલ.
અહેવાલ લેખનના મુખ્ય હેતુઓ:
- માહિતી પહોંચાડવી: કોઈ ઘટના અથવા પ્રવૃત્તિ વિશેની માહિતીને સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ કરવી.
- વિશ્લેષણ કરવું: એકત્રિત કરેલી માહિતીનું વિશ્લેષણ કરી, તેના પરથી નિષ્કર્ષ કાઢવા.
- સૂચનો કરવા: ભવિષ્યમાં સુધારા માટેના સૂચનો કરવા.
- દસ્તાવેજીકરણ: કોઈ ઘટના અથવા પ્રવૃત્તિનું દસ્તાવેજીકરણ કરવું.
અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા:
- સ્પષ્ટ અને સરળ ભાષા: જટિલ શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરવાને બદલે સરળ અને સમજી શકાય તેવી ભાષાનો ઉપયોગ કરવો.
- સંક્ષિપ્તતા: અહેવાલ ટૂંકો અને સચોટ હોવો જોઈએ.
- સંગઠિત માહિતી: માહિતીને વ્યવસ્થિત રીતે રજૂ કરવી.
- તથ્યો પર આધારિત: અહેવાલમાં ફક્ત તથ્યો પર આધારિત માહિતી હોવી જોઈએ.
- નિષ્કર્ષ: અહેવાલમાં એકત્રિત કરેલી માહિતીના આધારે નિષ્કર્ષ કાઢવા.
અહેવાલ લખવાની પ્રક્રિયા:
- વિષય નક્કી કરવો: કયા વિષય પર અહેવાલ લખવાનો છે તે નક્કી કરવું.
- માહિતી એકત્રિત કરવી: વિષય વિશે જરૂરી માહિતી એકત્રિત કરવી.
- માહિતીનું વિશ્લેષણ કરવું: એકત્રિત કરેલી માહિતીનું વિશ્લેષણ કરવું.
- અહેવાલનું રૂપરેખા તૈયાર કરવી: અહેવાલનું રૂપરેખા તૈયાર કરવી.
- અહેવાલ લખવો: રૂપરેખાના આધારે અહેવાલ લખવો.
- અહેવાલનું સંશોધન કરવું: લખેલો અહેવાલ સંશોધન કરવો અને જરૂરી સુધારા કરવા.
અહેવાલ લેખન ના નમૂના
અહીં નીચે અમે અહેવાલ લેખન ના સુંદર અને ઉપયોગી નમુના આપ્યા છે જેનો અભ્યાસ કરી શકો છો.અહેવાલ લેખન નમુનો - 1
[1] તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં બાલમંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહપ્રાર્થનાથી કરવામાં આવ્યો.
પછી શાળાના વ્યાયામશિક્ષક શ્રી પ્રફુલભાઈએ સોને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ “રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાનશ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રકટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો.
પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વૉલીબૉલ અને બાસ્કેટબૉલ જેવી રમતો શરૂ થઈ. નાનાં બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળાદોડ, ત્રિપગી દોડ, સંગીતખુરશી, દેડકાદોડ અને લીંબુચમચી જેવી રમતો યોજવામાં આવી હતી.
એમાં સર્જાયેલાં અનેક રમૂજી દશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળાફેંક, ભાલાફેંક, બરછીફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામશિક્ષક સાહેબની રમૂજશૈલીમાં આપેલી “રનિંગ કૉમેન્ટરી’થી વાતાવરણ આનંદથી ઝૂમી ઊઠ્યું હતું.
આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયૂર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યાં. આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા.
શાળામાં યોજાયેલો રમતોત્સવ
થરાદ,
તા. 29-01-2024
પછી શાળાના વ્યાયામશિક્ષક શ્રી પ્રફુલભાઈએ સોને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ “રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાનશ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રકટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો.
પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વૉલીબૉલ અને બાસ્કેટબૉલ જેવી રમતો શરૂ થઈ. નાનાં બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળાદોડ, ત્રિપગી દોડ, સંગીતખુરશી, દેડકાદોડ અને લીંબુચમચી જેવી રમતો યોજવામાં આવી હતી.
એમાં સર્જાયેલાં અનેક રમૂજી દશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળાફેંક, ભાલાફેંક, બરછીફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામશિક્ષક સાહેબની રમૂજશૈલીમાં આપેલી “રનિંગ કૉમેન્ટરી’થી વાતાવરણ આનંદથી ઝૂમી ઊઠ્યું હતું.
આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયૂર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યાં. આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા.
અહેવાલ લેખન નમુનો - 2
[2] તમારી શાળાનો વિદ્યાર્થી કે શાળાની વિદ્યાર્થિની ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરે આવ્યાં છે. એના સન્માનમાં શાળામાં યોજાયેલ સમારંભનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં જણાવો.સમ્માન - સમારંભ
ગોંડલ,
તા. 30 - 06 - 2019
તા. 28 - 06 - 2019નો દિવસ શાળા માટે ગૌરવનો હતો. અમારી શાળાની વિદ્યાર્થિની પૂર્વ જોશી ગુજરાત બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી હતી. તે માટે શાળાએ સમ્માન - સમારંભ રાખ્યો હતો.
સો વિદ્યાર્થીઓએ સાથે મળીને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાને ફૂલોથી શણગારી હતી. સમ્માન - સમારંભના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શાળાની વિદ્યાર્થિનીઓએ સરસ્વતી વંદનાનું ગાન કર્યું.
ત્યારપછી આચાર્યો મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કર્યું. શાળાનો પરિચય આપતાં આચાર્યું પૂર્વ જોશીની સિદ્ધિને બિરદાવી. મુખ્યમંત્રીના હસ્તે પૂર્વ જોશીને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને શિક્ષણમંત્રીના હસ્તે પુષ્પગુચ્છ તથા સ્કૉલરશિપનો ચેક અર્પણ કરવામાં આવ્યાં.
અહેવાલ લેખન નમુનો - 3
[3] તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.શૈક્ષણિક પ્રદર્શન
તા. 20 - 12 - 2019
અમદાવાદ
અમારી સી. એન. વિદ્યાલય શાળામાં ગયા અઠવાડિયે તા. 12 - 12 - 2019ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમાં વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી.
શાળાના સૌ કોઈએ આ પ્રદર્શનમાં સક્રિય રસ લીધો હતો.
આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના પ્રયોગોની ઝાંખી કરાવવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર આધારિત કેટલાંક સાધનો વિદ્યાર્થીઓએ જાતે બનાવીને મૂક્યાં હતાં.
મહાન વૈજ્ઞાનિકોની તસવીરો તેમના પરિચય સાથે ગોઠવવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને ભૂમિતિને લગતી વિવિધ આકૃતિઓના સુંદર ચાર્ટ્સ શોભતા હતા. ભૂગોળ વિભાગમાં નકશા, નદી, પર્વત, સમુદ્ર વગેરેનાં ચિત્રો અને મૉડેલો દ્વારા ભૌગોલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ઇતિહાસ વિભાગમાં મોગલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ જમાવતી હતી. સાહિત્ય વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારોની તસવીરો, તેમનાં જીવન અને કૃતિઓની ઝાંખી સાથે શોભતી હતી.
કેટલાક કવિઓનાં હસ્તલિખિત કાવ્યોના ચાર્ટ્સ પણ ગોઠવ્યા હતા. ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીત વિભાગ હતો.
હૉલમાં વિદ્યાર્થીઓના મધુર કંઠે ગવાયેલી ઈશ્વરસ્તુતિ અને કેટલાંક કાવ્યોના ગાનની રેકર્ડ સતત સાંભળવા મળતી હતી.
આ પ્રદર્શનનો લાભ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શહેરના અગ્રગણ્ય નાગરિકોએ લીધો હતો.
અહેવાલ લેખન નમુનો - 4
[4] તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાકદિનની ઉજવણીનો અહેવાલ એકસો શબ્દોમાં તૈયાર કરો.પ્રજાસત્તાકદિનની ઉજવણી
દાહોદ,
તા. 28 - 1 - 2020
26મી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાકદિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે સાડા સાત : વાગ્યે શાળામાં આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયાં હતાં.
ધોરણ 10ની પરીક્ષામાં 92 % ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી આશિષ મિસ્ત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.
આશિષે તેના વક્તવ્યમાં દેશના નામી અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્યો કરવાનો દઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સૌને ૬ પતાસાં વહેંચવામાં આવ્યાં.
પ્રજાસત્તાકદિન નિમિત્તે શાળાના પ્રાર્થનાખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનો પ્રાર્થનાખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતો,
“અમર શહીદ નામનું એકાંકી અને એકપાત્રી અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ધોરણ 8થી 12ના લગભગ 200 વિદ્યાર્થી ભાઈબહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાકદિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો.
કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટી શ્રી ચંપકલાલ શાહે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા.
અગિયાર વાગ્યે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી.
અહેવાલ લેખન નમુનો - 5
[5] આ વખતે તમારા ગામમાં લાગલગાટ ત્રીજા વર્ષે કારમો દુકાળ પડ્યો છે. શહેરમાં યોજાયેલા તમારા ગામવાસીઓના એક સ્નેહસંમેલનમાં રજૂ કરવા માટે, ગામની સ્થિતિ વિશેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.દુષ્કાળગ્રસ્ત ગામની નજરે જોયેલી સ્થિતિનો અહેવાલ
અમદાવાદ,
તા. 15 - 4 - 2020
અહીં હું આપણા ગામની દારુણ સ્થિતિનો અહેવાલ ટૂંકમાં રજૂ કરું છું અને આપ સૌને આપણા ગામના લોકોને મદદ કરવા હાર્દિક વિનંતી કરું છું.
ડુંગરની તળેટીમાં આવેલું અને બારે માસ હરિયાળું રહેતું આપણું રળિયામણું ગામ સુખપુર સતત ત્રણ વર્ષના દુષ્કાળને લીધે તદ્દન ઉજ્જડ બની ગયું છે. ડુંગરા બાંડા થઈ ગયા છે. વૃક્ષો ટૂંઠાં બની ગયાં છે.
ગામના એકેય હેન્ડપંપમાં પાણી આવતું નથી. સરકારી તંત્ર આપણા ગામને ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડે છે, પરંતુ ઢોરોના ઘાસચારા અને પાણી માટે કોઈ સગવડ કરવામાં આવી નથી. આથી આપણા ગામનું પશુધન ભૂખ અને તરસે મરી રહ્યું છે.
કેટલાય ગોપાલકો પોતાનાં ઢોરઢાંખરની સાથે હિજરત કરી ગયા છે. કેટલાંય લોકો પોતાનાં ઢોરોને પાણીના મૂલે વેચી રહ્યા છે. પશુપાલન અને ખેતી પર આધારિત લોકોની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે. ગામમાં દૂધ અને અનાજની તીવ્ર અછત પ્રવર્તે છે.
સરકારે આપણા ગામમાં રાહતકામો શરૂ કર્યા છે. ગામના મોટા ભાગના લોકો રાહતકામોમાં મજૂરી કરવા જાય છે, પરંતુ તેમાંથી તેમને ખપ પૂરતું ધાન મળી રહેતું નથી.
આપણા ગામવાસીઓની વહારે ધાવું એ આપણી નૈતિક ફરજ છે. આપણે તેમને સુખડી અને ઘાસચારો પહોંચાડવાનો પ્રબંધ કરીને આપણા બાંધવોનાં આંસુ લૂછી શકીશું.
અહેવાલ લેખન નમુનો - 6
[6] તમારી શાળામાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલા પ્રસંગને આલેખતો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
આણંદ, તા. 11 - 2 - 2020
તા. 10 - 2 - 2020ના રોજ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ શાળાના પ્રાર્થનાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થનાખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો.
મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતાં સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાયસમારંભ શરૂ થયો. અમારા વર્ગશિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું.
વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબનાં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્યશ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો.
અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળાજીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી. અમારા શિક્ષકોએ અમને એસ.
એસ.સી.ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થીકાળને માનવજીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે અમને જીવનઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી.
તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું.
કાર્યક્રમના અંતે સૌને આઇસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. અમે આઇસક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી.
અહેવાલ લેખન નમુનો - 7
[7] તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ
રણોલી,
તા. 30- 4 - 2020
અમારી શાળા “સાર્વજનિક વિદ્યાલય’ના અંગ્રેજી વિષયના સનિષ્ઠ શિક્ષક શ્રી બચુભાઈ ઠાકોર વયમર્યાદાના કારણે આ વર્ષે નિવૃત્ત થવાના હતા. તેમનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થનાખંડમાં તા. 25 - 4 - 2020ના રોજ જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો. પછી શ્રી બચુભાઈનું અધ્યક્ષશ્રીના હસ્તે શાલ ઓઢાડી તથા સમ્માનપત્ર એનાયત કરીને સમ્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ, કેટલાક શિક્ષકોએ અને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રી બચુભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દીનાં ભરપેટ વખાણ કર્યા.
આ સૌ વક્તાઓનો મુખ્ય સૂર એવો હતો કે શ્રી બચુભાઈની નિયમિતતા, તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે પ્રેરણાદાયી નીવડ્યાં હતાં. શ્રી બચુભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય ભૂલી શકશે નહિ.
શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી બચુભાઈને ₹ 21,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. શ્રી બચુભાઈએ આ રકમ શાળાના પુસ્તકાલયના વિકાસ માટે અર્પણ કરવાની જાહેરાત કરી. તેમની ઉદારતાને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
કાર્યક્રમના અંતમાં સૌને આઇસક્રીમ વહેંચવામાં આવ્યો હતો. તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું.
અહેવાલ લેખન નમુનો - 8
[8] નદીમાં ભારે પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે, તે હકીકતનું વર્ણન કરતો આશરે એકસો શબ્દોમાં અહેવાલ તૈયાર કરો.પૂરે વેરેલો વિનાશ
બાલાસિનોર,
તા. 8 - 10 - 2019
મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યાં છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહીકાંઠાના કેટલાંક ગામોમાં અને ખેતરોમાં મહી નદીનાં પાણી ફરી વળ્યાં છે. કાચાં મકાનો ધરાશાયી થઈ ગયાં છે. પાકાં મકાનોમાં ચાર - ચાર ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે.
લોકો પોતપોતાનાં ઘરબાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે. મહીકાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકો ત્રણ - ત્રણ દિવસથી કંઈ પણ ખાધાપીધા વગર બેસી રહ્યા છે.
સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું છે. પણ ગઈ કાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ શકી છે.
વરસાદનું જોર ઘટતાં ધીમેધીમે પૂરનાં પાણી ઓસરવા માંડ્યાં છે. પરંતુ ઠેરઠેર પશુઓના સડી રહેલા મૃતદેહો અને કાદવકીચડ નજરે પડે છે. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગરવાડા પુલનો વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો છે તેથી આ પુલ પરનો સમગ્ર વાહનવ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે.
સરકારી મદદ તો મળતાં મળશે પરંતુ સામાજિક સંસ્થાઓએ તો રાહતકાર્ય શરૂ પણ કરી દીધું છે. આથી અસરગ્રસ્તોને ઠીકઠીક રાહત મળી રહી છે.
અહેવાલ લેખન નમુનો - 9
[9] 5મી જૂન પર્યાવરણ દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.વૃક્ષારોપણદિનની ઉજવણી
બાકોર,
તા. 10 - 6 - 2019
અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણદિન ઊજવવામાં આવે ‘ છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂનને વૃક્ષારોપણદિન તરીકે ઊજવવામાં આવ્યો હતો.
શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં, જેમાં “એક બાળ, એક ઝાડ’; વૃક્ષ જતન, આબાદ વતન; “વૃક્ષો વાવો, વરસાદ લાવો’; વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો’ વગેરે સૂત્રો લખેલાં હતાં.
શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણદિન નિમિત્તે ઉદ્ઘાટનવિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું.
પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી, તેને પાણી પાયું. ત્યારપછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં : વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વૃક્ષારોપણદિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા : હતા. વૃક્ષો, આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્રસ્પર્ધા, “વૃક્ષો’ વિશેની વફ્તત્વસ્પર્ધા, વૃક્ષો માટેનાં ટ્રી - ગાર્ડ્ઝ, વૃક્ષપ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને વનભોજન - આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણદિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું.
અહેવાલ લેખન નમુનો - 10
[10] તમારી શાળામાં યોજાયેલ “શિક્ષકદિનની ઉજવણીનો : અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.શિક્ષકદિનની ઉજવણી
પાટણ,
તા. 6 - 9 - 2019
પાંચમી સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યે અમારી પાટણની પ્રસિદ્ધ : નૂતન વિદ્યાલયમાં ઉમંગભેર શિક્ષકદિન ઊજવવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના સભાગૃહને વીજળીનાં તોરણોથી શણગારવામાં આવ્યું હતું. મંચ પર આપણા સદ્ગત, વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનનું ભવ્ય તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.
શિક્ષકદિન સમારંભના અધ્યક્ષપદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ વિરાજમાન હતા. તમામ શિક્ષકો, શાળા - સમિતિના પ્રમુખ તેમજ સભ્યો, નિમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ સમયસર આવી પહોંચ્યા હતા.
સરસ્વતીદેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત - ગીત રજૂ કર્યું. શાળાના આચાર્યશ્રી પટેલસાહેબની વિનંતીથી અધ્યક્ષશ્રીએ દીપ પ્રગટાવી રાધાકૃષ્ણનના તૈલચિત્રને પુષ્પહાર પહેરાવ્યો.
પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શાહે શિક્ષકના જીવનની હૃદયસ્પર્શી ચિતાર આપી શિક્ષકદિનનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું. અન્ય વક્તાઓએ પ્રસંગાનુરૂપ ટૂંકાં પ્રવચનો કર્યા. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
શ્રી મોહનલાલ પટેલે સમાજના ઘડતરમાં શિક્ષકનું પ્રદાન સ્પષ્ટ કરી શિક્ષકજીવનના આદર્શ રજૂ કર્યા.
વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકોને શાલ અને શ્રીફળ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું. શાળા - સમિતિના પ્રમુખ શ્રી શાંતિભાઈ ગાલાએ શાળામાં શિક્ષક - કલ્યાણ નિધિ’ની સ્થાપનાની જાહેરાત કરી. રાષ્ટ્રગીતની ધૂન સાથે શિક્ષકદિન સમારંભની પૂર્ણાહુતિ થઈ.
અહેવાલ લેખન નમુનો - 11
[11] તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ "રક્તદાનશિબિર" વિશે આશરે એકસો શબ્દોમાં અહેવાલ લખો.રક્તદાન શિબિર
અમદાવાદ,
તા.15 - 10 - 2019
અમારી શાળા ઉત્કર્ષ વિદ્યાવિહારમાં દર વર્ષે “રક્તદાનશિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.14 - 10 - 2019ના રોજ અમારી શાળામાં રેડક્રોસ સાથે મળીને રક્તદાનશિબિર યોજાઈ હતી.
અમારી શાળાના આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરોને રક્તદાન’ વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા. આ ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. તેનાથી કોઈના લાડકવાયાની જિંદગી બચાવી શકાય છે.
રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ જ હાનિ થતી નથી. સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ માસે 250 મિલિ જેટલું રક્ત આપી શકે છે.
અમારી શાળાના ધોરણ 11 અને 12ના 80 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. શાળાના જુદા જુદા ખંડોમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં ઠેરઠેર રક્તદાનની સમજ આપતાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં.
તેમાં રક્તદાન શ્રેષ્ઠ દાન’, “રક્ત આપો, જીવન બચાવો’, રક્તદાન મહાદાન” જેવાં અનેક સૂત્રો લખેલાં હતાં. રક્તદાન કરનાર દરેક વિદ્યાર્થીને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યાં હતાં. શાળા તરફથી દરેક રક્તદાતાને પ્રમાણપત્ર એનાયત કરી, બૉલપેનની ભેટ આપવામાં આવી હતી.
કેટલાક વિદ્યાર્થીઓએ રક્તદાન અંગે પોતાના જાતઅનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમને અંતે આચાર્યશ્રીએ આ કાર્યક્રમની સફળતા બદલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો.
Aheval Lekhan Gujarati PDF Download
નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Aheval Lekhan Gujarati Grammar ની PDF પણ Download કરી શકશો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી અહેવાલ લેખન વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!