પત્ર લેખન ગુજરાતી સંપૂર્ણ માહિતી | Gujarati Patra Lekhan Class 6 To 12 [PDF]

પત્ર લેખન ગુજરાતી સંપૂર્ણ માહિતી | Gujarati Patra Lekhan Class 6 To 12 [PDF]

આ આર્ટીકલમા અમે પત્ર લેખન ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે. 

પત્ર લેખન એટલે શુંપત્ર લેખન ના પ્રકારો કેટલા પત્ર લેખન ના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના પત્ર લેખનના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.આર્ટીકલના અંતે તમે Patra Lekhan Gujarati Grammar ની pdf પણ Download કરી શકશો.

પત્ર લેખન એટલે શું ?

પત્ર લેખન એ એક પ્રકારનું લેખન છે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને લખે છે.

પત્રો વિવિધ પ્રકારના હોઈ શકે છે, જેમ કે: ખાનગી પત્રો  અને ઔપચારિક પત્રો.

પત્ર લેખન ના પ્રકારો ક્યા ક્યા ?

પત્રલેખનને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે: 
 1. ઔપચારિક પત્રલેખન અને 
 2. અનૌપચારિક(ખાનગી) પત્રલેખન. 

[1]. ઔપચારિક પત્રલેખન : 

ઔપચારિક પત્રલેખન એટલે કાર્યાલયને લગતા, વ્યાવસાયિક કે સરકારી પત્રો તે ઔપચારિક પત્રો.

ઔપચારિક પત્રો: આ પત્રો વ્યવસાયિક પાર્ટનરો, સરકારી અધિકારીઓ અથવા અન્ય અજાણ્યા લોકોને લખવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે વ્યવસાયિક અથવા સત્તાવાર વિષયોને આવરી લે છે.

[2]. અનૌપચારિક(ખાનગી) પત્રલેખન :

અનૌપચારિક(ખાનગી) પત્રલેખન એટલે સગાંસંબંધી, સ્નેહીજનો કે મિત્રોને લગતા પત્રો તે અનૌપચારિક પત્રો.

આ પત્રો મિત્રો, પરિવારના સભ્યો અથવા અન્ય નજીકના લોકોને લખવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે સંવેદનશીલ અથવા વ્યક્તિગત વિષયોને આવરી લે છે.

પત્ર લખવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી :

પત્ર લખવા માટે, તમારે નીચેના પગલાંને અનુસરવાની જરૂર છે:
 • સરનામું લખો: પત્ર મોકલવામાં આવી રહ્યો છે તે વ્યક્તિનું સરનામું પત્રના ઉપરના ભાગમાં લખો.
 • મુખ્ય શીર્ષક લખો: પત્રનો મુખ્ય વિષય સૂચવતું શીર્ષક પત્રના ઉપરના ભાગમાં લખો.
 • પ્રારંભિક શબ્દો લખો: પત્રના પ્રારંભમાં, તમે પ્રાપ્તકર્તાને સંબોધિત કરવા માટે શુભેચ્છા અથવા સંબોધન લખી શકો છો.
 • મુખ્ય શરીર લખો: પત્રનો મુખ્ય ભાગ એ છે જ્યાં તમે તમારી સંદેશાને વ્યક્ત કરો છો.
 • અંતિમ શબ્દો લખો: પત્રના અંતે, તમે પ્રાપ્તકર્તાને વિદાય અથવા શુભેચ્છાઓ લખી શકો છો.
 • સહી લખો: પત્રના નીચેના ભાગમાં, તમારી સહી લખો.

પત્ર લખતી વખતે, નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખો:

 1. સ્પષ્ટ અને સચોટ ભાષાનો ઉપયોગ કરો.
 2. સંક્ષિપ્ત અને સીધા પોઈન્ટ પર આવો.
 3. ગુણવત્તાવાળા કાગળ અને શાહીનો ઉપયોગ કરો.
 4. વિગતો યોગ્ય ક્રમમાં અને જરૂરી ફકરા પાડી લખવી જોઈએ. 
 5. પત્રમાં વધુ – પડતી લાગણી કે ભાવુકતા પણ ન દેખાડવી જોઈએ. 
 6. બિનઅંગત પત્રમાં હકીકતો તાર્કિક રીતે દર્શાવવી જોઈએ.
 7. પત્રની ભાષા શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નો મુકાવાં જોઈએ.
પત્ર લેખન એ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે જે તમને તમારી વિચારો અને લાગણીઓને અન્ય લોકો સાથે અસરકારક રીતે શેર કરવામાં મદદ કરી શકે છે.

બોર્ડના પ્રશ્નપત્રમાં કોઈ પણ વિષય પર પત્રલેખન પૂછવામાં આવશે. આ પત્રમાં તમારું નામ, સરનામું કે સહીનો ઉલ્લેખ કરવાનો નથી.

અહીં, ઔપચારિક તેમજ અનૌપચારિક પત્રોનાં 'રૂપરેખા' તેમજ 'નમૂના' આપ્યાં છે. તેનો અભ્યાસ કરો.

ઔપચારિક પત્રોનાં 'રૂપરેખા' તેમજ 'નમૂના'

ઔપચારિક પત્ર લેખન નાં 'રૂપરેખા' તેમજ 'નમૂના'

નમૂના : 

જાન્યુવારી 31, 2024

પ્રતિ
ટ્રાફિક મૅનેજરશ્રી, 
એ.એમ.ટી.એસ. ટ્રાન્સપોર્ટ હાઉસ, 
જમાલપુર, 
અમદાવાદ - 380001.

મહોદય,

વિષય : વસ્ત્રાપુર વિસ્તારમાં નવો બસરૂટ શરૂ કરવા અંગે.

       અમદાવાદના પશ્ચિમ વિભાગનો વસ્ત્રાપુર વિસ્તારનો જજીસ બંગ્લોઝ રોડ ખૂબ વિકાસ પામી રહ્યો છે. બહુમાળી મકાનો વધ્યે જાય છે અને ઘણા મોટા પ્રમાણમાં લોકો આ વિસ્તારમાં રહેવા આવી રહ્યા છે. એમાંના 40% લોકો પાસે વાહનવ્યવહાર માટે પોતાનાં વાહનો છે, જ્યારે બાકીના 60% લોકો શહેરની બસ-સુવિધા પર આધાર રાખે છે. એમને કાં તો જોધપુર ચાર રસ્તા જવું પડે છે, કાં તો વસ્ત્રાપુર બસસ્ટૅન્ડે બે કિલોમીટર દૂર જવું પડે છે. કેટલાક ચાલીને જાય છે, તો કેટલાક રિક્ષા કરે છે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઑફિસ સમયે સમયસર પહોંચવા એમને તકલીફ ભોગવવી પડે છે. આ વિસ્તારના લોકોની આપને નમ્ર વિનંતી છે કે, આ વિસ્તારને નવો બસરૂટ આપવામાં આવે.

        મને આશા છે કે, આ વિસ્તારના લોકોની હકીકત તેમજ મુશ્કેલી સમજીને આપ ઘટતું કરશો. 
        તમારા સહકારની અપેક્ષા સાથે,
લિ.         
આપનો વિશ્વાસુ 
નિશીથ    
 

અનૌપચારિક પત્રોનાં 'રૂપરેખા' તેમજ 'નમૂના'

અનૌપચારિકપત્ર લેખન નાં 'રૂપરેખા' તેમજ 'નમૂના'

નમૂનો : 

તમારા મોટા ભાઈએ એસ.એસ.સી.માં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે. તેમને અભિનંદન આપતો પત્ર લખો.

જાન્યુવારી 30, 2024

પૂ. મોટા ભાઈ,
     સાદર પ્રણામ.

આજે જ તમારો તાર મળ્યો. તમે એસ.એસ.સી.માં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા એ માટે મારાં હાર્દિક અભિનંદન સ્વીકારશો. ગણિત અને વિજ્ઞાન તમારા પ્રિય વિષયો છે. આથી તમે વિજ્ઞાનશાખામાં ઉચ્ચ અભ્યાસ કરવાનું જ નક્કી કર્યું હશે. મારા અભ્યાસ માટે તમે હંમેશાં 'આદર્શ' પૂરો પાડયો છે ને પ્રેરણા પણ આપી છે. એ માટે આપનો આભારી છું.

પૂ. બા-બાપુજીને તમારી સફળતાથી ખૂબ આનંદ થયો છે. તેઓ તો તમે ડૉક્ટર બનો એમ જ ઈચ્છે છે. તમારી શી ઇચ્છા છે તે જણાવશો.

ગીતા તમને બહુ યાદ કરે છે.
પત્રનો જવાબ તરત લખશો.

આપનો નાનો ભાઈ 
નિશીથ     


Gujarati Patra Lekhan Class 6 To 12

પ્રશ્ન 1. તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી 'રજાચિઠ્ઠી' લખો.
ઉત્તર:

સ્મિત ટી. શાહ
6, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ - 380 013.
તા. 31/01/2024

પૂજ્ય ગુરુજી,

સાદર પ્રણામ. મારી મોટી બહેનનાં લગ્ન તા. 05/01/2024ના રોજ છે. અમે બધાં અત્યારે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ. મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈ કાલે જ અહીં આવ્યા છે. અન્ય સગાંવહાલાં પણ આવ્યાં છે. આથી હું તા. 03/01/2024 થી તા. 07/01/2024 સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી પાંચ દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો. 

શાળામાં આવ્યા પછી હું મારું બાકી રહેલું ઘરકામ પૂરું કરી દઈશ.
લિ.
આપનો આજ્ઞાંકિત
નીશીથ ચૌધરી
ધોરણ 8, નં. 21

પ્રશ્ન 1. મહેસાણામાં આવેલી 'દૂધસાગર ડેરી'ની મુલાકાત માટેની મંજૂરી માંગતો પત્ર ડેરીના મૅનેજિંગ ડિરેક્ટરને ઉદેશીને લખો.
તા. 5-6-2015
પ્રતિ,
મૅનેજિંગ ડિરેક્ટરશ્રી,
દૂધસાગર ડેરી,
મહેસાણા.

માનનીયશ્રી,

વિષય : દૂધસાગર ડેરીની મુલાકાત લેવા અંગે.

સવિનય નમસ્કાર.

હું અમદાવાદની એક જાણીતી શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરું છું. સહકારી ધોરણે દૂધઉત્પાદનની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે, તે જાણવામાં મને અને મારા સહાધ્યાયી મિત્રોને ઊંડો રસ છે. વળી, આ વિષય અમારા અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

હજુ સુધી અમે ક્યારેય કોઈ ડેરીની મુલાકાત લીધી નથી. દૂધસાગર ડેરી વિશે અમારા શિક્ષકોએ અમને ઘણી વાર માહિતી આપી છે. તેથી આ ડેરીની મુલાકાત લેવાનું અમે નક્કી કર્યું છે.

અમારા શૈક્ષણિક હેતુને ધ્યાનમાં રાખી આપની ડેરીની મુલાકાત લેવાની અમને મંજૂરી આપવા આપને નમ્ર વિનંતી છે. અમારી વિનંતી માન્ય રાખવામાં આવશે તો અમે આપના ખૂબ આભારી થઈશું.

આપને તથા આપના સ્ટાફને અમારા તરફથી કોઈ તકલીફ ન પડે તેનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીશું, તેની ખાતરી આપીએ છીએ.

એ જ લિ.
આપનો કૃપાભિલાષી
નિશીથ

પ્રશ્ન 2. જાહેરમાં વર્તાવ’ આ વિષય પર તમે આપેલું વક્તવ્યની ‘ તમારા મિત્રને પત્ર લખી માહિતી આપો.
ઉત્તર :

માનસી શુક્લ
15, જનક સોસાયટી,
વડોદરા – 390 011.
તા. 5 – 8 – 18

પ્રિય સખી એષા,
તારો પત્ર મળ્યો. તને હવે છાત્રાલયમાં ગમી ગયું છે તે જાણી આનંદ થયો. આજે હું તને આનંદના સમાચાર આપું છું. અમારી શાળામાં વખ્તત્વસ્પર્ધા હતી. વિષય હતો ‘જાહેરમાં વર્તાવ’. તેમાં મને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. હું મારા વક્તવ્યનો સારાંશ આ પત્રમાં જણાવું છું.

જાહેરમાં વર્તાવના બધા નિયમોનું મૂળ સ્વચ્છતા, વ્યવસ્થા અને શોભામાં રહેલું છે. આ ત્રણ ધોરણો જીવનમાં ધ્યાનમાં રહે તો દરેક માણસનું જાહેર વર્તન શિષ્ટ પ્રકારનું થાય. વ્યાખ્યાન ચાલતું હોય કે સંગીત ચાલતું હોય ત્યારે અંદરોઅંદર વાતો કરવી એ કાર્યક્રમનું અપમાન કરવા બરાબર છે. અમુક ક્રિયાઓ માટે નિર્દિષ્ટ સ્થાનો હોય તો તે ક્રિયા ત્યાં જ કરવી. જ્યાં – ત્યાં ગંદકી ન કરવી, જ્યાં – ત્યાં ન થુંકવું, પાન ખાઈ ગમે ત્યાં પિચકારી ન મારવી, બસમાં બેસવાની જગ્યાએ ગંદા પગ મૂકી કે જોડાવાળા પગ મૂકી જગા ગંદી ન કરવી, રેડિયો અને ટીવીનો અવાજ મોટો ન રાખવો. ખાનગી છૂટ જાહેરમાં ન લેવી. ખાનગી સંબંધો માટે ખાનગી જીવન છે અને જાહેરમાં સમાજની મર્યાદા રાખવી એ જ સોનેરી નિયમ છે.

મારી આકર્ષક રજૂઆત, વિષયવસ્તુ અને હાવભાવને લીધે મને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ, શ્વેતાને મારી યાદ.

લિ.
તારી બહેનપણી
માનસી


પ્રશ્ન 3. તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાથ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.
ઉત્તર :

દેવ ત્રિવેદી
8, સુંદરનગર,
રાજકોટ – 360 002.
તા. 10 – 10 – 18

પ્રિય મિત્ર વિનોદ,

તારો પત્ર મળ્યો. તારી પહેલી કસોટીનું પરિણામ જાણી આનંદ થયો. પરંતુ તારી નાદુરસ્ત તબિયતના સમાચાર જાણી ચિંતા થાય છે.

મિત્ર, તું અભ્યાસમાં જેટલી કાળજી રાખે છે તેટલી તારા સ્વાથ્ય માટે કાળજી રાખતો નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ રીતે, શરીરે દુઃખી તો દુઃખી સર્વ રીતે. "A healthy mind in a healthy body". આ બધાં સુવાક્યો ફક્ત લખી રાખવા માટેનાં નથી. તેમને આપણે આપણા જીવનમાં પણ ઉતારવાં જોઈએ.

તારી તંદુરસ્તી માટે હું કેટલાંક સૂચનો કરું છું અને આશા રાખું છું કે તું તેમનો અમલ કરીશ. તારે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અડધો કલાક કસરત કરવી જોઈએ. તારે ખોરાકમાં દૂધ અને ફળો ખાસ લેવાં જોઈએ. તારા રોજિંદા ખોરાકમાં તારે લીલાં શાકભાજી અને કચુંબરને સ્થાન આપવું જોઈએ. તારે બજારમાં વેચાતી ખુલ્લી ચીજો તો બિલકુલ ન ખાવી જોઈએ. તારે કબડ્ડી, ખો – ખો, વૉલીબૉલ જેવી રમતો રમવી જોઈએ. દરરોજ સાંજે થોડું ચાલવું જોઈએ. જો શક્ય હોય, તો તારે યોગાસન અને પ્રાણાયામ શીખી લેવાં જોઈએ. સદાય પ્રસન્ન રહેવું જોઈએ.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ. દિશાને યાદ.
લિ.
તારો મિત્ર
દેવ

પ્રશ્ન 3. તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો.
તા. 25-8-2015

પ્રતિ, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, 
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, 
દાણાપીઠ, 
અમદાવાદ. 

માનનીય મહોદયશ્રી,

વિષય : કચરાના ઢગલા દૂર કરવા બાબત.

જય ભારત સાથે જણાવવાનું કે કચરો ભરી જનારી મ્યુનિસિપાલિટીની ગાડી છેલ્લા ઘણા દિવસોથી અમારા વિસ્તારમાં આવી નથી. એને લીધે અમારા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આખા વિસ્તારમાં પ્રસરી રહી છે.

આ કચરો ધીમે ધીમે રસ્તાઓ ઉપર વેરાઈ રહ્યો છે. તેને લીધે અમારા વિસ્તારમાં માખીઓ અને મચ્છરોનો ભારે ઉપદ્રવ શરૂ થયો છે. આથી અમારા વિસ્તારના અસંખ્ય લોકોનું આરોગ્ય જોખમમાં આવી પડયું છે.

જાહેર આરોગ્ય જળવાઈ રહે અને આ પરિસ્થિતિ વધારે વણસે નહિ તે માટે આપ તાકીદે ઘટતું કરી આભારી કરશો, એવી આશા છે.

આપના સહકારની અપેક્ષા સહ,
એ જ લિ.
આપનો વિશ્વાસુ
નિશીથ

પ્રશ્ન 4. દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર તમારા મિત્રને લખો.
ઉત્તર :

જિગ્નેશ ઠાકર
15, તેજલ પાર્ક,
ગોધરા – 389 001,
તા. 5 – 10 – 18

પ્રિય મિત્ર અશોક,

હું કુશળ છું અને તારી કુશળતા ઇચ્છું છું.

તું મને તારી સાથે મહારાષ્ટ્રના પ્રવાસે લઈ જવા ઇચ્છે છે પરંતુ આ વખતે દિવાળીની રજાઓમાં હું ક્યાંય જવાનો નથી. હું મારા અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવા સખત પરિશ્રમ કરવાનો છું. દરરોજ વહેલી સવારે પપ્પા સાથે ફરવા – ચાલવા જવાનો છું. મારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી સિદ્ધાર્થ મારે ઘેર આવવાનો છે. તે મને ગણિત શીખવવાનો છે. મારા દાદા નિવૃત્ત છે. તે અંગ્રેજી ખૂબ સરસ રીતે શીખવી શકે છે. તે અમને અંગ્રેજી બોલતાં શીખવવાના છે. મને ચેસ રમતાં આવડે છે. હું મારા મિત્રને ચેસ રમતાં શીખવવાનો છું. અમે મિત્રો દરરોજ સાંજે નિશાળના મેદાનમાં એક કલાક વૉલીબૉલની પ્રેક્ટિસ કરવા જવાના છીએ. આ ઉપરાંત મારે શાળામાંથી શિક્ષકોએ આપેલું ઘરકામ કરવાનું છે.

આ બધા કાર્યક્રમોમાં દિવાળીનો તહેવાર પણ માણવાનો છે જ.

તું પ્રવાસથી આવ્યા બાદ તારા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખજે. હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું છું.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.
લિ.
તારો મિત્ર
જિગ્નેશ

પ્રશ્ન 5. તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.
ઉત્તર :

દિક્ષિત પટેલ
વિદ્યાર્થી છાત્રાલય,
સુરેન્દ્રનગર – 363 001.
તા. 1 – 8 – 18

પૂજ્ય પિતાજી,
તમારો પત્ર મળ્યો. તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું. પરંતુ હવે મને છાત્રાલયમાં રહેવું ગમે છે. અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમય રહીએ છીએ.

દરરોજ સવારે પાંચ વાગે ઊઠવાનું. દૈનિક ક્રિયા પતાવીને પ્રાર્થનામાં જોડાવાનું. પછી સફાઈકાર્ય કરવાનું. તેમાં મેદાનસફાઈ ઉપરાંત બાથરૂમ અને શૌચાલય સફાઈ પણ ખરી જ. પછી સ્નાન કરવાનું. સ્નાન પછી નાસ્તો. સવારે 7.30થી 10.00 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. જમીને અગિયાર વાગે નિશાળે જવાનું. શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું જ.

સાંજે સાડા પાંચ વાગે છાત્રાલય પર આવવાનું. હાથપગ – મોં ધોઈ થોડો આરામ કરવાનો. સાંજે સાત વાગે જમીને ફરવા જવાનું. આઠ વાગે સમૂહપ્રાર્થના. તેમાં દરરોજ પાંચ – દસ મિનિટની ચિંતનિકા. પછી 10.30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું. રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે દૂરના સ્થળે ફરવા જવાનું.

આમ, અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે. તમે મારી જરાય ચિંતા કરશો નહિ.

મમ્મીને મારી યાદ. દાદા – દાદીને મારા પ્રણામ.

લિ.
તમારો પુત્ર
દિક્ષિતના પ્રણામ

પ્રશ્ન 6. તમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ ગયો. તેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
ઉત્તર :

હિરલ મહેતા
42, પુનિત પાર્ક,
અમદાવાદ – 380 061.
તા. 5 – 1 – 18

પ્રિય સખી પ્રિયંકા,

તારો પત્ર મળ્યો. હું અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત હોવાથી તને પત્ર લખી શકી નથી.

અમારી શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલી જાન્યુઆરીએ ટાઉનહૉલમાં રાખવામાં આવ્યો હતો. તેમાં શાળાના ધોરણ 5થી 11માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પહેલો શો બપોરના 10.00થી 1.00 અને બીજો શો સાંજના 3.00થી 6.00નો હતો. તેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત આમંત્રિતો પણ કાર્યક્રમ માણવા આવ્યા હતા. તેમાં પ્રાર્થના, ગરબા, રાસ, નૃત્યનાટિકા અને નાટકો હતાં. દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો હતો. મેં નૃત્યનાટિકામાં જશોદાનું પાત્ર ભજવ્યું હતું. મુખ્ય મહેમાને અમારા કાર્યક્રમનાં ખૂબ વખાણ કર્યા. વાલીઓ અને આમંત્રિત મહેમાનોને પણ બધા જ કાર્યક્રમો ખૂબ ખૂબ ગમ્યા.

અમારા કાર્યક્રમનું વીડિયો શૂટિંગ કરવામાં આવ્યું છે. તે મેં પેનડ્રાઇવમાં લઈ લીધું છે. તું અહીં આવજે. આપણે તે જોઈશું.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.
લિ.
તારી બહેનપણી
હિરલ


પ્રશ્ન 7. સાસરે ગયેલાં તમારાં બહેનને તેમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો પત્ર લખો.
ઉત્તર :

ચિંતન પટેલ
8, પ્રભાત શેરી,
ગોંડલ – 360 311.
તા. 10 – 3 – 18

વહાલાં મોટી બહેન,

સાદર પ્રણામ. તમારી વિદાય થયે માંડ સાત દિવસ થયા છે, પરંતુ મને તો જાણે સાત વર્ષ પસાર થઈ ગયાં હોય તેમ લાગે છે. તમારી વિદાય પછી ઘર સાવ ખાલી લાગે છે. બધાં કામ કરવા ખાતર કામ કરે છે. બાનું કોઈ કામમાં ચિત્ત ચોંટતું નથી. તે તમને યાદ કરી કરીને રડે છે. જમવા બેસીએ છીએ પણ કોળિયો ગળે ઝટ ઊતરતો નથી. બાપુજી પણ ઉદાસ રહે છે. તે હજી ધંધે જતા નથી. બાની આંખમાં અવારનવાર આંસુ આવી જાય છે. ઘરમાં કોઈ કાંઈ બોલતું નથી. કોઈ ટેલિવિઝન ચાલુ કરતું નથી. હું નિશાળે જાઉં છું પણ અભ્યાસમાં મારું મન લાગતું નથી. હવે મારી સાથે મજાક કરનાર કોઈ રહ્યું નહિ. મને તમારા વિના ઘરમાં ગમતું નથી.

મોટી બહેન! તમે ક્યારે આવો છો? એક વાર અહીં આવીને બધાંને મળશો તો અમને સૌને આનંદ થશે અને આશ્વાસન મળશે. તમે અને જીજાજી જરૂર આવજો. અમે તમારી આવવાની રાહ જોઈ રહ્યાં છીએ.

પૂજ્ય જીજાજીને મારા પ્રણામ.

લિ.
તમારો નાનો ભાઈ
ચિંતન


પ્રશ્ન 8. તમારા ગામમાં બસ નિયમિત આવે તેવો તાલુકાના બસડેપોના મૅનેજરને પત્ર લખો.
ઉત્તર :

સુરેશ મિસ્ત્રી
સુથારવાસ,
રણકપુર,
તા. લુણાવાડા – 389 230.
તા. 14 – 7 – 18

પ્રતિ,
ડેપો મૅનેજર,
એસ. ટી. બસડેપો,
લુણાવાડા.

બાબતઃ બસની અનિયમિતતા અંગે

સાહેબશ્રી,
જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા બે માસથી અમારા ગામમાં આવતી લોકલ બસ ખૂબ જ અનિયમિત છે. સમયસર બસ ન આવવાના કારણે અમારા ગામમાંથી લુણાવાડા અભ્યાસ કરવા જતા શાળા – કૉલેજના વિદ્યાર્થીઓ મોડા પડે છે કે જઈ શકતા નથી. ખરીદી કરવા જતા કે ઑફિસોના કામે જતા લોકો પણ પરેશાન થાય છે અને તેમનો કીમતી સમય વેડફાય છે. આ અંગે અમે બસના ડ્રાઇવરકંડક્ટરનું વારંવાર ધ્યાન દોર્યું છે, પરંતુ તેઓ અમારી ફરિયાદ પર જરાય ધ્યાન આપતા નથી.

આપશ્રીને નમ્ર વિનંતી કે આપ અંગત રસ લઈ અમારા ગામની રે બસ નિયમિત અને સમયસર થાય તેવું કરશો તો અમે આપના આભારી થઈશું.

આપનો વિશ્વાસુ
સુરેશ મિસ્ત્રી

પ્રશ્ન 9. તમારી શાળાને વર્ગપુસ્તકાલય માટે કેટલાંક પુસ્તકોની જરૂર છે. તે માટે જાણીતા પુસ્તકવિક્રેતાને પત્ર લખો.
ઉત્તર :

એન. કે. વિદ્યાલય
જેસંગપુર,
તા. સંતરામપુર – 389 260.
તા. 25 – 8 – 18

પ્રતિ,
વ્યવસ્થાપકશ્રી,
નવનીત બુક સ્ટોર,
ગુરુકુળ રોડ,
અમદાવાદ – 380 052.

અમારી શાળાના વર્ગપુસ્તકાલય માટે નીચે જણાવેલાં પુસ્તકોની જરૂર છે:ગાલા વિશાલ શબ્દકોશ : 5 નકલ
નવનીત ગુજરાતી નિબંધમાળા: ધોરણ 8 – 9 : 5 નકલ
Navneet English Essays: Std. 8 – 9: 5 નકલ
નવનીત સામાન્ય જ્ઞાન : 5 નકલ,
NAVNEET GLOBAL DICTIONARY : 5 નકલ

ઉપર જણાવેલાં પુસ્તકો વી.પી.પી. દ્વારા અમારી શાળાના સરનામે મોકલી આપવા વિનંતી છે. બિલમાં યોગ્ય વટાવ આપશો એવી આશા છે. પુસ્તકોની વિગતવાર નોંધ સાથેનું બિલ જુદી ટપાલ દ્વારા મોકલી આભારી કરશોજી.

આપના સહકારની અપેક્ષા સાથે.

લિ.
આપનો વિશ્વાસુ
મહેન્દ્ર પટેલ

પ્રશ્ન 10. મારી શાળા પાસે ફેરિયાઓ ઉઘાડી અને વાસી ખાદ્યચીજો વેચે છે. તે બંધ કરાવવા જરૂરી પગલાં લેવાની વિનંતી કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.
ઉત્તર :

દીનબંધુ પ્રજાપતિ
20, શ્રીજીબાગ સોસાયટી,
મણિનગર,
અમદાવાદ – 380 008.
તા. 9 – 9 – 18

પ્રતિ,
મ્યુનિસિપલ કમિશનરશ્રી,

અમદાવાદ.
બાબતઃ ઉઘાડી અને વાસી ખાદ્યચીજો વેચાતી બંધ કરાવવા બાબત જયભારત સાથે જણાવવાનું કે અમારી શાળાની બહાર વાસી અને ઉઘાડી ખાદ્યચીજો વેચાતી હોય છે. તે બંધ કરાવવાની આપની ફરજ હોવા છતાં કૉર્પોરેશન તરફથી કોઈ પગલાં ભરાતાં નથી. શાળાનાં નિર્દોષ બાળકો આવી માખીઓ બણબણતી, ઉઘાડી અને વાસી ચીજો ખરીદવા લલચાય છે. પરિણામે તેઓનું સ્વાથ્ય જોખમાય છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને કેટલાક વાલીઓ ફેરિયાઓને આ અંગે કહે છે પરંતુ તેની ફેરિયાઓ પર અસર થતી નથી. શાળા શરૂ થાય તે પહેલાં અને શાળા છૂટી જાય ત્યારે તેઓ ત્યાં અચૂક આવીને ઊભા રહી જાય છે.

આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપશ્રી તાત્કાલિક આવા ફેરિયાઓ સામે કડક પગલાં લઈ તેઓને શાળા પાસે ચીજવસ્તુઓ વેચતાં બંધ કરશોજી.

આશા છે કે આપશ્રી અમારી ફરિયાદને અગ્રતા આપશો.

આપના આભારસહિત.
આપનો વિશ્વાસુ
દીનબંધુ

પ્રશ્ન 11. તમારા ગામમાં ટપાલ અનિયમિત આવે છે તેની રજૂઆત કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.
ઉત્તર :

લીલાબહેન પંચાલ
રકનપુર,
તા. સિટી, જિ. અમદાવાદ.
તા. 9 – 10 – 18

પ્રતિ,
પોસ્ટમાસ્ટર જનરલ,
અમદાવાદ.
બાબત : ટપાલની અનિયમિતતા અંગે ફરિયાદ

સાહેબશ્રી,
જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા છ માસથી અમારા ગામમાં ટપાલ ખૂબ જ અનિયમિત આવે છે. ટપાલીએ ટપાલ વહેંચવા ગામમાં દરરોજ આવવાનું હોય છે, પરંતુ ટપાલી અઠવાડિયામાં બે વખત પણ ભાગ્યે જ ટપાલ વહેંચવા આવે છે. ઘણી વાર તે શેરીમાં રમતાં છોકરાંને ટપાલ આપી ચાલ્યો જાય છે. છોકરાં ટપાલ ખોઈ નાખે છે કે સમયસર પહોંચાડતાં નથી. પરિણામે અગત્યના કાગળો મોડા મળે છે કે ગેરવલ્લે જાય છે. મારા ભાઈને નોકરીના ઇન્ટરવ્યુનો કાગળ મોડો મળ્યો, તેથી તે ઇન્ટરવ્યુ આપવા જઈ શક્યા નહિ. અમારા પાડોશીને લગ્નની કંકોતરી ન મળી, તેથી તેઓ એમનાં માસીની દીકરીનાં લગ્નમાં જઈ શક્યા નહિ.

આપશ્રીને નમ્ર વિનંતી કે અમારા ગામમાં ટપાલી નિયમિત આવે અને ઘેર ઘેર જઈને ટપાલ પહોંચાડે તેવી વ્યવસ્થા કરશો.

આભાર સહ.
આપની વિશ્વાસુ
લીલાબહેન પંચાલ


પ્રશ્ન 12. તમારી સોસાયટીમાં નિયમિત સફાઈ થતી નથી તે અંગેની ફરિયાદ યોગ્ય અધિકારીને કરો.
ઉત્તર :

પંકજ કે. પરમાર
10, ઝલક સોસાયટી,
મેમનગર,
અમદાવાદ – 380 052.
તા. 5 – 2 – 18

પ્રતિ,
અધ્યક્ષશ્રી,
મેમનગર નગરપાલિકા.

બાબત નિયમિત સફાઈ કરાવવા બાબત

સાહેબશ્રી,
જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા બે માસથી અમારી સોસાયટીમાં સફાઈ કરવા આવનાર સફાઈ કામદાર ખૂબ જ અનિયમિત છે. દરરોજ સવારે સફાઈ કરવાની હોય છે, પરંતુ તે અઠવાડિયામાં ભાગ્યે જ બે દિવસ આવે છે. રસ્તા બરાબર વળાતા નથી. કચરાના ઢગલા નિયમિત ભરાતા નથી. પરિણામે દુર્ગધ અને માખીઓનો ત્રાસ અસહ્ય થઈ પડ્યો છે. તેમાં વળી ઢોરનાં મળમૂત્ર ભળે છે. સોસાયટીમાંથી નીકળતાં નાક દબાવીને નીકળવું પડે તેવી સ્થિતિ છે. સોસાયટીના ઘણા રહીશો બીમાર થઈ ગયા છે. સફાઈ કામદારને સફાઈ કરવા જણાવીએ છીએ, પરંતુ તે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે.

આપશ્રીને નમ્ર વિનંતી કે આપશ્રી આ અંગે જરૂરી તપાસ કરી તાત્કાલિક સફાઈ કરાવવાની વ્યવસ્થા કરશોજી.

આભાર સહ.

આપનો વિશ્વાસુ
પંકજ પરમાર

Patra Lekhan Gujarati PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Patra Lekhan Gujarati Grammar ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી પત્ર લેખન વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.