મોંઘવારી | મોંઘવારીનું વિષચક્ર | મોંઘવારી અને મધ્યમવર્ગ ગુજરાતી નિબંધ

મોંઘવારીનું વિષચક્ર, મોંઘવારી, મોંઘવારી અને મધ્યમવર્ગ વિશે ગુજરાતી નિબંધ

અમે આ આર્ટીકલમાં મોંઘવારી, મોંઘવારીનું વિષચક્ર વિશે એક સરસ ગુજરાતીમાં 200 શબ્દોમાં, 150 શબ્દોમાં અને 100 શબ્દોમાં અલગ અલગ નિબંધ પ્રસ્તુત કર્યો છે જે ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે અને તમને ગમશે.

 • મોંઘવારીનું વિષચક્ર નિબંધ,
 • મોંઘવારીનું વિષચક્ર નિબંધ ગુજરાતી,
 • મોંઘવારી અને મધ્યમવર્ગ વિશે નિબંધ,
 • મોંઘવારી અને મધ્યમવર્ગ
 • મોંઘવારીનું વિષચક્ર વિશે નિબંધ ગુજરાતીમાં,
 • Monghvari Nibandh Gujarati
 • Infation Essay in Gujarati

નીચે આપેલ મોંઘવારીનું વિષચક્ર, મોંઘવારી, મોંઘવારી અને મધ્યમવર્ગ વિશે ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

મોંઘવારીનું વિષચક્ર નિબંધ : Monghvari Essay in Gujarati

 1. પ્રસ્તાવના
 2. મોંઘવારી વધવાનાં કારણો
 3. મોંઘવારીની ભયાનક અસર
 4. મોંઘવારીના વિષચક્રથી અર્થતંત્રને બચાવવાના ઉપાયો
 5. માનવજીવન પર અવળી અસર
 6. ઉપસંહાર
મોંઘવારીનું વિષચક્ર ગુજરાતી નિબંધ :

સતત વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર આર્થિક સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસથી દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે જીવન અસહ્ય બની ગયું છે. ગરીબ અને મધ્યમવર્ગના કરોડો લોકોનાં જીવનમાં ઝેર રેડાઈ ગયું છે. ચા, ખાંડ, સાબુ જેવી અનેક જીવનાવશ્યક વસ્તુઓના ભાવમાં થયેલા બેકામ વધારાએ સામાન્ય માનવીઓની કમર તોડી નાખી છે. 

નિરંકુશ વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્ર પર કારમા ઘા સમાન છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે ધાન્યની અછતને મોંઘવારીના બેફામ વધારાનું મુખ્ય કારણ ગણાવી શકાય. દુકાળ કે અતિવૃષ્ટિને કારણે અનાજની દેશવ્યાપી અછત ઊભી થાય છે, ત્યારે અનાજનાં કાળાંબજાર અને સંગ્રહખોરી ફૂલેફાલે છે. અનાજના ભાવ વધે તેની તમામ ઉદ્યોગો પર સીધી કે આડકતરી અસર થાય છે. મજૂરો મોંઘવારી ભથ્થામાં વધારો માગે છે અને તે ન મળે તો તેઓ હડતાલ પર ઊતરે છે. વધતા જતા ખર્ચને પહોંચી વળવા ઉદ્યોગપતિઓ પોતાના ઉત્પાદનની કિંમતો વધારે છે. આમ, કાળમુખી મોંઘવારી બધાં ક્ષેત્રોમાં વિસ્તરે છે.

મોંઘવારી માટે ઉત્પાદકોની બેફામ નફાખોરી, સંગ્રહખોરી અને કાળાંબજાર, સરકારી તંત્રની વહીવટી નિષ્ફળતા વગેરે તત્ત્વો જવાબદાર છે. ઘણી વાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પણ મોંઘવારી માટે કારણભૂત બને છે. દા.ત., આરબોએ ખનિજ તેલના ભાવમાં બેહદ વધારો કર્યો છે, તેથી ખનિજ તેલ પર સીધી કે આડકતરી રીતે અવલંબિત તમામ ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં જગતભરમાં મોટો વધારો થયો છે. પરિણામે મોંઘવારીના મોજાની વત્તીઓછી અસર આખા જગતને અનુભવવી પડે છે. 

આપણા દેશમાં વધી રહેલી મોંઘવારી માનવીના શરીરમાં પ્રસરતા જીવલેણ રોગ જેવી ભયાનક છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ મેળવતા કરોડો લોકો મોંઘવારી વધતાં કઈ વસ્તુઓની વપરાશમાં કાપ મૂકવો, એ વિમાસણમાં મુકાઈ જાય છે. ગરીબો અને મધ્યમવર્ગના લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ભાવસપાટી વધતાં અકથ્ય મુશ્કેલી અને લાચારી અનુભવે છે. ગૃહકંકાસ, સામાજિક અશાંતિ અને આપઘાતના વધતા જતા કિસ્સાઓના મૂળમાં મોટે ભાગે મોંઘવારી જ હોય છે. 

મોંઘવારીના વિષચક્રથી દેશને બચાવવા માટે સરકારે આપણી પંચવર્ષીય યોજનાઓના આયોજનમાં ખેતીના વિકાસને અગ્રતા આપવી જોઈએ. દુકાળ, અતિવૃષ્ટિ કે નદીઓનાં પૂર પણ અનાજની દેશવ્યાપી તંગી ન સર્જી શકે એવા ઉપાયો તરફ લક્ષ કેંદ્રિત કરવું જોઈએ. કાળાંબજાર, સંગ્રહખોરી અને ભ્રષ્ટાચાર જેવાં અનિષ્ટો સામે કડક હાથે કામ લેવાવું જોઈએ. દેશનાં સીમિત ઉત્પાદન સાધનો મોજશોખની વસ્તુઓના ઉત્પાદન માટે નહિ, પણ જીવનજરૂરિયાતોના ઉત્પાદન માટે પ્રયોજાય, એ માટે સરકારે ઘટતાં પગલાં લેવાં જોઈએ. ગૃહઉદ્યોગો અને લઘુઉદ્યોગોના વિકાસ દ્વારા ઉત્પાદન અને રોજગારીની તકો વધારીને પણ મોંઘવારીને અંકુશમાં લાવી શકાય. લોકોએ પણ કાળાબજારિયાઓ અને સંગ્રહખોરોનો બહિષ્કાર કરીને , ઉત્પાદન વધારવા માટે તનતોડ મહેનત કરીને અને હડતાલો, બંધ, કામચોરી વગેરેથી દૂર રહીને સરકારના આ પ્રયાસોમાં સહકાર આપવો જોઈએ. વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને ભાવસપાટીને સ્થિર રાખવા શક્ય એટલો ભોગ આપવો જોઈએ. 

મોંધવારી દેશનાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સૌથી મોટો શત્રુ છે. અંકુશમાં આવશે તો જ દેશનો સર્વાંગી વિકાસ સાધી શકાશે.

નીચે આપેલ  મોંઘવારી, મોંઘવારી અને મધ્યમવર્ગ  વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 67 અને 8 માટે ઉપયોગી થશે.

મોંઘવારી અને મધ્યમવર્ગ નિબંધ: ધોરણ 6 થી 10 

 1. પ્રસ્તાવના
 2. મધ્યમવર્ગની હાડમારીઓ
 3. મોઘવારીનાં કારણો
 4. મોઘવારી ઘટાડવાના ઉપાયો
 5. ઉપસંહાર
[ 1. પ્રસ્તાવના 2. મધ્યમવર્ગની હાડમારીઓ 3. મોઘવારીનાં કારણો 4. મોઘવારી ઘટાડવાના ઉપાયો ]

આપણા સમાજમાં ત્રણ વર્ગો જોવા મળે છે : શ્રીમંતવર્ગ , મધ્યમવર્ગ અને ગરીબવર્ગ. શ્રીમંતવર્ગને મોંઘવારી સતાવતી નથી. તેને જીવનજરૂરિયાતનાં અને સુખસગવડનાં બધાં સાધનો સહેલાઈથી મળી રહે છે. તે અદ્યતન સુખસગવડો ભોગવે છે. સૌથી નીચલો વર્ગ એટલે ગરીબવર્ગ. આ વર્ગ સાધનોના અભાવથી ટેવાયેલો હોય છે અને કરકસરથી રહે છે. મોંઘવારીની સીધી અસર મધ્યમવર્ગને વધારે થાય છે.

મધ્યમવર્ગમાં કમાનાર વ્યક્તિ એક હોય છે અને ખાનાર અનેક હોય છે. આ વર્ગમાં નોકરિયાતવર્ગ અને સામાન્ય ખેડૂતવર્ગનો સમાવેશ થાય છે. તેમના કુટુંબની આવક મર્યાદિત હોય છે. મધ્યમવર્ગને પોતાનું મકાન બનાવવા, બાળકોને ભણાવવા, ઘરવખરી, અનાજ, કપડાં વગેરેની ખરીદી માટે સતત ખર્ચ કરવો પડે છે. વળી લગ્ન અને મરણ જેવા પ્રસંગે સામાજિક વ્યવહારો સાચવવામાં પણ તેને ઘણો ખર્ચ કરવો પડે છે. આવા પ્રસંગે નાત જમાડવી પડે છે. દીકરીને મોટા પ્રમાણમાં કરિયાવર આપવો પડે છે. કુટુંબની કોઈ વ્યક્તિ ગંભીર માંદગીમાં સપડાઈ જાય ત્યારે તો તેના માથે દુ:ખના ડુંગરો તૂટી પડે છે. દાક્તર અને દવાનાં બિલ ચૂકવતાં તેની આંખે પાણી આવી જાય છે. આમ, મધ્યમવર્ગની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. આથી તે પોતાનાં બાળકોના વિકાસની પ્રવૃત્તિઓ પાછળ પૂરતી કાળજી રાખી શકતો નથી કે તેને માટે પૂરતા પૈસા ખરચી શકતો નથી.

મોંઘવારી વધે છે પણ મધ્યમવર્ગના કુટુંબની આવકમાં ખાસ વધારો થતો નથી. વિસ્ફોટક વસ્તીવધારો, અનાજનું ઓછું ઉત્પાદન, કાળાંબજાર અને સંગ્રહખોરી જેવાં અનેક કારણોને લીધે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે.

મોંઘવારીના રાક્ષસને નાથ્યા વિના છૂટકો નથી. તે માટે સરકારે અને પ્રજાએ પરિશ્રમ કરવો જોઈએ. અનાજનું વધુ ઉત્પાદન થાય, વસ્તીવધારો, સંગ્રહખોરી, નફાખોરી અને કાળાંબજાર અંકુશમાં આવે તો જ મોંઘવારી અંકુશમાં આવી શકે. વળી મધ્યમવર્ગે સામાજિક રિવાજોમાં પણ પરિવર્તન લાવવું પડશે. સૌના સહિયારા પ્રયાસથી જ આ શક્ય બનશે.

નીચે આપેલ મોંઘવારી વિશે ગુજરાતીમાં 250  શબ્દોમાં નિબંધ ધોરણ 3, 4 અને 5 માટે ઉપયોગી થશે.

મોંઘવારી નિબંધ: ધોરણ 5 થી 10 

 1. પ્રસ્તાવના
 2. મોઘવારી વધવાનાં કારણો
 3. મોઘવારી અસર
 4. મોઘવારી અટકાવવાના ઉપાયો
 5. ઉપસંહાર
[ 1. પ્રાસ્તાવિક 2 થી 4. મોઘવારી વધવાનાં કારણો 5. મોઘવારી અસર 6. મોઘવારી અટકાવવાના ઉપાયો 7. ઉપસંહાર ]

દિનપ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. વધતી જતી મોંઘવારીને લીધે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ગુજરાન ચલાવવું અઘરું થઈ રહ્યું છે. 

આપણા દેશમાં કૂદકે ને ભૂસકે વસ્તી વધતી જાય છે. વધતી જતી વસ્તીન પ્રમાણમાં અનાજ ઉત્પન્ન થતું નથી . વળી દેશના કોઈ ને કોઈ વિસ્તારમાં દર વર્ષે દુકાળ, વાવાઝોડું અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવ્યા જ કરે છે. એટલે અનાજની ભયંકર અછત પડે છે. અનાજની અછતને લીધે તેનાં કાળાંબજાર અને સંગ્રહખોરી થાય છે. આથી જીવનજરૂરી વસ્તુઓમાં ભાવવધારો થાય છે. વળી આપણે અનાજની અછતને પહોંચી વળવા માટે બહારથી અનાજની આયાત કરવી પડે છે. આ અનાજ આપણને મોંઘું પડે છે. અનાજના ભાવવધારાની અસર બીજી ચીજવસ્તુઓ પર પણ થાય છે. તેથી શાકભાજી, ફળો, ફરસાણ, તેલ, ઘી જેવી જીવનજરૂરિયાતની બધી વસ્તુઓના ભાવો વધે છે. 

મોંઘવારી વધતાં સરકાર પોતાના કર્મચારીઓને અને ઉત્પાદકો પોતાના મજૂરોને મોંઘવારી ભથ્થું વધારી આપે છે. તેની સાથે ઉત્પાદકો પોતે ઉત્પન્ન કરેલી વસ્તુઓની કિંમત અને સરકાર પેટ્રોલ - ડીઝલ જેવી વસ્તુઓના ભાવ વધારી દે છે. આમ અનાજ તેમજ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાની સાથે જીવનજરૂરિયાતની વસ્તુઓ તથા વાહનવ્યવહારના ભાડામાં વધારો થાય છે. કેટલીક વાર વેપારીઓ કૃત્રિમ અછત ઊભી કરીને ઊંચી કિંમતે માલ વેચે છે અને ઊંચો નફો મેળવે છે . કેટલીક વાર લોકો પણ કોઈ વસ્તુની અછત જણાતાં તેની ખરીદી માટે પડાપડી કરે છે. તેમને ઊંચી કિંમત ચૂકવવી પડે છે. વળી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ મોંઘવારી વધે છે.

ધનિક વર્ગને મોંઘવારીની ખાસ અસર થતી નથી; પણ મોંઘવારી ગરીબ અને મધ્યમવર્ગના લોકોની કમર તોડી નાખે છે. મોંઘવારી વધવાના પ્રમાણમાં લોકોને પગારવધારો મળતો નથી. છૂટક મજૂરી કરનારને મજૂરીની વધારે રકમ મળતી નથી. આથી મધ્યમવર્ગ અને ગરીબવર્ગના લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. તેઓ મોજશોખ કરી શકતા નથી. પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી. મોંઘવારીના વિષચક્રને લીધે ગરીબો વધુ ને વધુ ગરીબ અને ખેડૂતો વધુ ને વધુ દેવાદાર બનતા જાય છે. 

‘સાત સાંધો ને તેર તૂટે ’ તેવી સ્થિતિમાંય , ઈશ્વર પરની લોકોની શ્રદ્ધા અતૂટ રહે છે. 

મોંઘવારી ઘટાડવા માટે સંગ્રહખોરી, નફાખોરી અને કાળાંબજાર જેવી બદીઓ અટકાવવી જોઈએ . સિંચાઈયોજનાઓ વધારીને અનાજનું ઉત્પાદન વધારવું જોઈએ. વસ્તીવધારાને અંકુશમાં લેવા કુટુંબનિયોજનને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રજાએ પણ બિનજરૂરી ખર્ચ ન કરવા જોઈએ. ઉદ્યોગપતિઓએ પણ પોતાની જવાબદારી સમજીને ભાવસપાટી સ્થિર રાખવા માટે પોતાનો સહકાર આપવો જોઈએ. 

સરકાર અને પ્રજાના સહિયારા પ્રયત્નોથી જ મોંઘવારીને કાબૂમાં રાખી શકાય.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.