વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ વિષે નિબંધ ગુજરાતી |
અમે આ આર્ટીકલમાં વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ વિશે એક સરસ ગુજરાતીમાં 200 શબ્દોમાં, 150 શબ્દોમાં અને 100 શબ્દોમાં અલગ અલગ નિબંધ પ્રસ્તુત કર્યો છે જે ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે અને તમને ગમશે.
- વસંતઋતુ નિબંધ,
- વસંતનો વૈભવ નિબંધ ગુજરાતી,
- વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ વિશે નિબંધ,
- વસંતનો વૈભવ
- ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ વિશે નિબંધ ગુજરાતીમાં,
- Ruturaj Vasant Nibandh Gujarati
- Vasantrutu Essay in Gujarati
નીચે આપેલ વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ વિશે ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
સૃષ્ટિનો શણગાર - અલબેલી વસંત નિબંધ :
- પ્રસ્તાવના
- શિશિર પછી વસંત
- પ્રકૃતિની શોભા
- માનવજીવન ઉપર અસર
- ઉપસંહાર
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લે,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ?
- મનોજ ખંડેરિયા
કવિ મનોજ ખંડેરિયાએ વસંતઋતુનું અનન્ય શબ્દચિત્ર આપ્યું છે. ભારત ઋતુઓની બાબતમાં
સમૃદ્ધ છે. કુદરતે ભારતને રમ્ય ઋતુઓની વિવિધતા બક્ષી છે. હેમંત, શિશિર, વસંત,
ગ્રીષ્મ , વર્ષા અને શરદ જેવી છ ઋતુઓ વર્ષભર વાતાવરણને નવીનતાથી ભરી દે છે.
દરેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય છે. દલપતરામે તો વસંતને ઋતુરાજ કહી છે.
રૂડો જુઓ આ તુરાજ આવ્યો
મુકામે તેણે વનમાં જમાવ્યો !
વસંતની જાણ શિશિરને થઈ ગઈ છે. તેથી શિશિરઋતુ એની કાતિલ ઠંડી ઓઢીને ચૂપચાપ વિદાય
લે છે. બરફ વચ્ચે જેમ ગરમ પાણીનો ઝરો ફૂટી નીકળે એમ, વસંતઋતુના આગમન સાથે
ધરતીના અંગેઅંગમાં સ્ફૂર્તિનો અદમ્ય સંચાર થાય છે. લજામણીનો છોડ જેમ હાથના
સ્પર્શથી ખીલી ઊઠે એમ વસંતના માદક સ્પર્શથી વૃક્ષો ને વેલીઓમાં ચેતન રેલાય છે.
આમ્રઘટામાં મંજરીઓ મહોરી ઊઠે છે. એની માદક ગંધ કોકિલ - કંઠને ઉશ્કેરે છે . કમળ
ને કેસૂડાં મનને હરી લે છે. મનોજ ખંડેરિયાની વાણીમાં કહીએ તો -
આ ડાળડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજુ કૈં નથી, પગલાં વસંતનાં.
પુષ્પોનું પૂર્ણ યૌવન એટલે વસંતઋતુ. વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન સોળે
કળાએ ખીલી ઊઠે છે. વસંત મનહર સૌંદર્ય ને મનભર ખુશ્બોના પ્રાગટ્યની ઋતુ
છે.
માનવજીવન ઉપર અન્ય ઋતુઓ કરતાંય વસંતની પ્રગાઢ અસર રહી છે. વનમાં જેમ કોયલ,
આમ્રઘટાની મંજરીઓની માદક ગંધથી કૂજન કરી ઊઠે છે એમ માનવમનને પણ કામણ કરી
ઉદ્દીપ્ત કરી મૂકે છે. પૂર્ણિમાએ જેમ દરિયામાં ભરતી આવે એમ વસંતમાં માનવહૈયામાં
પ્રેમ ને સ્નેહની ભરતી આવે છે. માનવી વિવિધ ઉત્સવોની ઉજવણી કરીને એનો આનંદ
સામૂહિક રીતે વ્યક્ત કરે છે. માત્ર આપણે ત્યાં નહિ, જગતભરના બધા દેશોના લોકો
વસંતઋતુને ભિન્ન ભિન્ન ઉત્સવો દ્વારા ઊજવે છે. આપણે ત્યાં આ ઋતુમાં વસંતપંચમી,
હોળી અને ધૂળેટી આવે છે. એનાં લોકગીતોમાં, પ્રજાનો જીવનરસ છલકતો જોઈ શકાય છે.
વિશિષ્ટ વાજિંત્રોના તાલ સાથે ગવાતાં ઋતુગીતોની મીઠી હલક હૃદયને અનેરા આનંદથી
તરબતર કરી દે છે. કવિઓ તેમજ કલાકારોએ વસંતના વૈભવને પોતાની કલમ અને પીંછીથી
પ્રગટ કર્યો છે. એક ગઝલનો વસંત - શેર જોઈએ.
ભર વસંતે કોણ રાગી કોણ વૈરાગી હશે,
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે !
એક ફૂલની તુલના બીજા ફૂલ સાથે કરવી એ કુદરતનું અપમાન છે, એમ વસંતઋતુની તુલના
અન્ય ઋતુઓ સાથે થઈ શકે નહિ. વસંત એટલે વસંત. ખરેખર, વસંત ઋતુરાજ છે.
નીચે આપેલ વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ વિશે ગુજરાતીમાં 150 શબ્દોમાં નિબંધ ધોરણ 6, 7 અને 8 માટે ઉપયોગી થશે.
વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ નિબંધ : ધોરણ 6 થી 10
- પ્રસ્તાવના
- વસંતઋતુનું સૌદર્ય
- વસંતઋતુની મનુષ્યો અને પશુપંખીઓ પર અસર
- વસંતઋતુના તહેવારો
- ઉપસંહાર
શિશિર અને હેમંતની ઠંડીથી વૃક્ષો અને પશુપક્ષીઓ સાવ ઠરી જાય છે. વૃક્ષો પરથી
પાંદડાં ખરી પડે છે. વસંતનું આગમન થતાં જ પ્રકૃતિમાં નવું ચેતન પ્રસરી જાય
છે.
વૃક્ષોની ડાળીઓ પર નવી નવી કૂંપળો ફૂટે છે. ફૂલછોડ પર રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે
છે. કૂંપળો અને ફૂલો વાતાવરણને રંગબેરંગી અને સુંદર બનાવે છે. ફૂલોની સુગંધ
પ્રસરતાં વાતાવરણ મઘમઘી ઊઠે છે. પતંગિયાં અને ભમરા ફૂલો ઉપર ઊડાઊડ કરવા લાગે
છે.
વસંત આપણાં તનમનને તાજગી આપનારી ઋતુ છે. તેમાં હાડ ગાળી નાખનારી ઠંડી કે પરસેવે
રેબઝેબ કરી નાખનારી ગરમી હોતી નથી. વળી વર્ષાઋતુમાં હોય છે તેવો કાદવકીચડ પણ
હોતો નથી કે નથી હોતો મચ્છરોનો ત્રાસ. આકાશ વાદળાં વિનાનું અને સ્વચ્છ હોય છે.
વાતાવરણ ખુશનુમા હોય છે.
વસંતઋતુના આહ્લાદક વાતાવરણની અસરથી મનુષ્યો અને પશુપંખીઓ પ્રફુલ્લિત બની જાય
છે. ઠંડીમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ઇચ્છા થાય છે; જ્યારે વસંતમાં
પ્રકૃતિનું સૌંદર્ય માણવા લોકો બહાર ઊમટી પડે છે. શહેરોમાં લોકો બગીચાઓમાં ફરવા
જાય છે. પણ વસંતની ખરી મજા તો વનમાં જ માણી શકાય. વનમાં ઠેરઠેર લહેરાતાં મહુડો,
શીમળો તથા કેસૂડાનાં ફૂલ આપણું મન હરી લે છે. વૃક્ષની ઘટામાં સંતાયેલી કોયલ
ટહુકે ને આપણે નજર નાખીએ તો ઝટ દેખાય નહિ. આથી જાણે વૃક્ષ ટહુકતું હોય એવું
લાગે.
વસંતઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટી જેવા તહેવારો આવે છે . લોકો ગુલાલ
ઉડાડીને તેમજ ઢોલના તાલે નાચીને આ રંગોના પર્વને ઊજવે છે. આ ઋતુમાં ઘઉં અને
જુવારનો પોંક ખાવાની મજા આવે છે.
વસંતના આવા વૈભવને લીધે જ તેને ‘ઋતુરાજ વસંત' નું બિરુદ મળ્યું છે. વસંતઋતુના
સૌંદર્યનાં કવિઓ ખૂબ ગુણગાન ગાય છે.
નીચે આપેલ વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ વિશે ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 3, 4 અને 5 માટે ઉપયોગી થશે.
મારી પ્રિય ઋતુ - વસંતઋતુ નિબંધ : ધોરણ 3 થી 5
વસંત મારી પ્રિય ઋતુ છે.
વસંતઋતુમાં ઠંડી અને ગરમી બંને માફકસર હોય છે. વળી આકાશ પણ સ્વચ્છ હોય છે .
વસંતમાં વરસાદ ન પડે એટલે માખી અને મચ્છરનો ત્રાસ પણ ન હોય. ચોમાસાની જેમ ક્યાંય
ખાડાખાબોચિયાં કે કાદવકીચડ પણ ન હોય. રસ્તા ચોખ્ખા હોય છે. ચોમાસા જેવી ગંદકી
હોતી નથી. એટલે માંદગીનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય છે.
વસંતમાં વૃક્ષો પર નવાં પાન ફૂટે છે. જાતજાતનાં ફૂલો ખીલી ઊઠે છે. તેમની સુગંધથી
વાતાવરણ મઘમઘી ઊઠે છે. કોયલના મીઠા ટહુકા સંભળાય છે. ખેતરોમાં ઘઉં અને ચણાનો પાક
તૈયાર થઈ ગયેલો હોય છે. તેનો પોક ખાવાની મજા આવે છે. આંબા ઉપર કેરીના મરવા આવે
છે. તેનું કચુંબર ખાવાની મજા આવે છે. વસંતઋતુમાં લોકો રંગબેરંગી કપડાં પહેરી ફરવા
નીકળે છે. કેસૂડાનાં કેસરી ફ્લો વનની શોભામાં વધારો કરે છે.
વસંતઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટી જેવા તહેવારો આવે છે. લોકો આ તહેવારો
ધામધૂમથી ઊજવે છે.
કવિઓએ વસંતઋતુને ‘ઋતુરાજ'નું બિરુદ આપ્યું છે. વસંતઋતુ પંખીઓની તથા કવિઓની પ્રિય
ઋતુ છે.